Sthalantar karta baalako ni Shaalao
Read the original story in English
Original Story written specially for Vikalp Sangam
છબીઓ લેખક દ્વારા પૂરી પાડવામાં આવી છે (સિવાય કે જ્યાં અન્યથા જણાવ્યું છે)
યુસુફ મેહરાલ્લી સેન્ટર હજારો બાળકોને શાળાએ જવાનો એકમાત્ર અવસર પૂરો પાડે છે.
બારીક ભરતકામ, સફેદ રણ, ઘુડખર અને દેશાવરના સ્થળાંતર કરતાં પક્ષીઓ જોવાનો શોખ ધરાવતા લોકો માટે ગુજરાતનાં વાયવ્ય (ઉત્તર પશ્ચિમ) ભાગમાં આવેલ કચ્છ જાણીતું છે. પરંતુ ગયા મહિને અમારી કચ્છની મુલાકાત એક અલગ પ્રકારના સ્થળાંતર કરનારાઓ વિશે હતી- સ્થળાંતર કરનારા સમુદાયો માટે. આ પ્રવાસનો મુખ્ય હેતુ આ લોકોની વિશિષ્ટ જીવનશૈલી જાણવાનો, તેમના બાળકોની પરિસ્થતિ સમજવાનો તથા તેમને શાળાએ જતા કરનારા એક પ્રયત્નને સમજવાનો હતો.
માછીમારોની શાળા
અમે સૌથી પહેલા રન્ધબંદર નામની જગ્યાની મુલાકાત લીધી જે મુન્દ્રા નામના બંદર પાસે આવેલ છે. આ ‘બંદર’ એટલે બારું અથવા દરિયાકિનારે આવેલી વસાહત. મુન્દ્રાથી બહુ દૂર ન ગયા હોવા છતાં અમે ઘણા અંતર સુધી મુખ્ય રસ્તાથી દૂર ધૂળીયા રસ્તા પર મુસાફરી કરી. થોડાક સમયમાં જ ગામડાં અને નગરો પાછળ રહી ગયાં.
જેમ જેમ બંદર નજીક આવ્યું તેમ તેમ ખારી હવા અને માછલીની વાસ આવવાની શરૂઆત થઈ. બંદર કે જે માટીના વિસ્તારોનું બનેલું છે, એ લાકડાના થાંભલાના આધારે ઊભેલા કામચલાઉ શણના તમ્બુના સમૂહ જેવું દેખાઈ રહ્યું હતું. આ તંબુની આસપાસ માઈલોનાં માઈલો સુધી માટીનો વિસ્તાર ફેલાયેલો હતો કે જે નિર્જન હતો.
આ તંબુ વાઘેરોના છે જે મુસલમાન માછીમાર સમાજ છે. વર્ષના નવ મહિના આ વાઘેર લોકો તેમના ગામડાથી સ્થળાંતર કરીને આ કિનારા પાસેની વસાહતો અથવા બંદરો પર આવે છે. આખું કુટુંબ તેમનું ઘર છોડીને અહીં રહેવા આવી જાય છે. તે ખાલી ચોમાસાના મહિનાઓ પૂરતાં જ ઘરે પાછાં જાય છે. સ્થળાંતર કરવું એ આ સમાજની વર્ષો જૂની પરંપરા છે.
આ સમાજ વર્ષનો મોટાભાગનો સમય અ નિર્જન વિસ્તારમાં વિતાવતો હોવાથી તેમના બાળકોને નિશાળે જવાની તક ભાગ્યે જ મળે છે. આ બાબત યુસુફ મહેરાલ્લી સેન્ટર (વાયએમસી) નામની સંસ્થાને ૨૦૦૧ના વિનાશક ભૂકંપના રાહતકામ દરમિયાન ધ્યાનમાં આવી. જ્યારે તેઓ ફૂડ પેકેટ્સ આપી રહ્યાં હતાં ત્યારે આ પેકેટ મળ્યાની રસીદ પર આ સમાજની કોઈ વ્યક્તિ સહી કરતી નહોતી પણ તે લોકો અંગૂઠો પાડતા હતાં. ત્યારે સેન્ટરના લોકોને ધ્યાનમાં આવ્યું કે મોટા ભાગનાં કુટુંબો ભણેલા ન હતાં.
આ સમાજના લોકો કચ્છના ગામોથી આવે છે. જ્યારે બાળકો દરિયાકિનારે જાય છે ત્યારે તેમની લાંબા સમય સુધીની ગેરહાજરીને કારણે તેમના નામ શાળાના હાજરીપત્રકમાંથી દૂર કરવામાં આવે છે. આ જ વિસ્તારમાં બાળકો માટે આ બંદર પર જ એક શૈક્ષણિક સંસ્થા ખોલીએ તો કેવું? વાયએમસીને એવો ઉકેલ સૂઝયો અને એમણે તેને અમલમાં મૂક્યો. એમણે દરિયાકિનારા પર જ એક તંબુ ખોડયો અને ત્યાં જ બાળકોને ભણાવવા માંડ્યાં. આ કામ જરા પણ સહેલું નહોતું. માતા પિતા પહેલાં બાળકોને મોકલવા માટે વિવિધ કારણોસર રાજી નહોતાં. તેમને લાગ્યું કે તેમના બાળકો માછીમારી કરવાની સાથે સાથે ભણવા માટે સમય નહિ ફાળવી શકે. માછલી પકડવા માટે ઘણી વાર રાત્રે પ્રતિકૂળ સમયે ઊઠીને કામ પર જવું પડતું હોય છે. ઘણીવાર તેમને ઘણા કલાકો દરિયા પર રહેવું પણ પડે. મોટા છોકરાઓ પુરુષોને માછીમારીની હોડીમાં મદદ કરે છે જયારે સ્ત્રીઓ અને બાળકો જાળમાં પકડાયેલ માછલીને તાજી વેચવા લાયક, સૂકી માછલી અથવા ખાતર માટેની માછલી એમ જુદી પાડવાનું કામ કરે છે. આવા સમયે, માતા પિતાએ સવાલ કર્યો કે આ શિક્ષણ બાળકોને માછીમારીનું કામ કરવામાં કેવી રીતે મદદરૂપ થશે?- આ શાળા તો શાળા તરીકે પ્રમાણિત પણ નથી. પણ માબાપની આ નામરજી વાયએમસીએ ઝીલેલી અન્ય મુસીબતોની સામે કઈ જ નહોતી. જ્યાં તંબૂ નાખ્યો હતો તે જમીન વાપરવા અંગેની અધિકારીઓની પૂછપરછથી લઈને શિક્ષણ ખાતાની માન્યતા મેળવવી, શિક્ષકોને શોધવા તથા અનુદાનો મેળવવા સુધી અનેક પ્રશ્નોનો તેમને સામનો કરવો પડ્યો. પગલે પગલે પડકારો હતા.
સેન્ટરે ફક્ત સમસ્યાઓ ઉકેલવાના નવા નવા રસ્તાઓ જ ન શોધ્યા પણ તેમણે કામનો વિસ્તાર પણ વધાર્યો. તાજેતરમાં સામખિયાળીથી માંડવીનાં કિનારા પરની વસાહતોમાં વાયએમસીનાં નવ શૈક્ષણિક કેન્દ્રો ચાલે છે. પહેલાથી સાતમા ધોરણ સુધીના બાળકો આ કેન્દ્રોમાં આવે છે. તેમની હાજરી આ શાળાઓમાં પૂરવામાં આવે છે અને તે હાજરીને બાળકોના ગામની સરકારી શાળામાં મોકલવામાં આવે છે. આ રીતે તેમનાં નામ શાળાના હાજરીપત્રકમાં જળવાઈ રહે છે. આમ, આ શૈક્ષણિક કેન્દ્રો પૂરક શાળાની ગરજ સારે છે. તે સાગરશાળાઓ તરીકે પણ ઓળખાય છે. વાયએમસીએ સરકારી શાળાના પ્રશ્નપત્રો પણ પરીક્ષાના સમયે આ શાળામાં મોકલવામાં આવે એવી પણ વ્યવસ્થા કરી છે. આ પૂરક શાળાઓના શિક્ષકોને આસપાસના વિસ્તારોમાંથી ભરતી કરવામાં આવ્યાં છે અને કેટલાક શિક્ષકો તો આ સમાજના જ સભ્યો છે. નાના બાળકો સાથે વાતચીત કરવા માટે ઘણા શિક્ષકોને કચ્છી ભાષા પણ શીખવી પડી.
થોડા વર્ષો સુધી નાના બાળકો માટેની શાળાઓ ચલાવતા વાયએમસીને જણાયું કે આ શાળાઓ મોટા થતા બાળકોની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી નથી. તેમને વધુ સારી સગવડો અને વધુ કુશળતા ધરાવતાં શિક્ષકોની જરૂર છે. તેથી એમણે ભદ્રેશ્વરમાં મોટાં ધોરણોમાં ભણતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે છાત્રાલય બનાવ્યું છે. જે બાળકો અહીં આવે છે તે હવે ભદ્રેશ્વરની સામાન્ય શાળામાં જાય છે.
અમે રન્ધબંદરમાં એક કુટુંબને જોયું જે માછલીઓના એક મોટા ઢગલાની આસપાસ બેઠેલું હતું અને માછલીઓને અલગ પાડવામાં વ્યસ્ત હતું. અમને એ જોઇને મુખ્ય પ્રવાહના શિક્ષણ અંગે પ્રશ્ન થયો કે આ તો બાળકોને તેમના કુટુંબના પરંપરાગત પેઢીઓથી ચાલ્યા આવતા વ્યવસાયથી કેટલા દૂર લઈ જશે. પરંતુ અમને જણાવવામાં આવ્યું કે, કચ્છમાં હવે માછીમારી એ એક લુપ્ત થતો વ્યવસાય છે. માછલીઓના પ્રજનન માટે આદર્શ એવા ચેરિયાના વૃક્ષો મુન્દ્રા પોર્ટના બાંધકામને લીધે વિનાશ પામ્યા છે, તેથી માછલીઓની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પોર્ટ પર ઘણા બધા જહાજો આવે છે જે તેમનો કચરો અહીં ઠાલવે છે તથા મોટા ઔદ્યોગિક એકમો તેમનો રાસાયણિક કચરો પણ ઠાલવે છે જે બચેલી માછલીઓને પણ નુકસાન કરે છે. વાયએમસીના લોકો માને છે કે આવતાં આઠ થી દસ વર્ષ પછી માછીમારી એક વ્યવસાય તરીકે બચશે નહિ અને તેથી જ આગળની પેઢીઓનું અ-પરંપરાગત કૌશલ્યો અને મુખ્યધારાની ભાષાઓ શીખવાનું જરૂરી છે.
હજુ પણ માછીમારીનું આર્થિક ગણિત એ રીતનું છે કે માછીમાર કાયમ દેવામાં જ રહે છે. આ સમાજ બીજી મુશ્કેલીઓનો પણ સામનો કરે છે. તેઓ માછીમારી કરવાને કારણે સમાજમાંથી તરછોડાઈ ગયા છે કારણ કે ઊંચી જાતિના લોકો માછીમારીને ‘પાપનો ધંધો’ ગણે છે.
વાયએમસીની આ યોજના બાળકો પર અસરકારક પ્રભાવ પાડી રહી છે. હવે તે બાળકો પોતાની માતૃભાષા કચ્છી ઉપરાંત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પણ આત્મવિશ્વાસથી બોલતાં થયા છે. સાથે સાથે અંધશ્રધ્ધાઓ અને વર્ષો જૂની બાળવિવાહ જેવી રીતોને પણ પડકારતાં થયાં છે. છોકરાઓ તેમના માબાપને પૂછતા થયા છે કે અમુક ઉંમર પછી છોકરીઓને શાળામાંથી કેમ ઉઠાડી મૂકવામાં આવે છે. મોટા ધોરણોમાં અને છાત્રાલયમાં છોકરાઓની સરખામણીમાં છોકરીઓ ઘણી ઓછી છે. બાળકોનો ઘણી બાબતો તરફનો દ્રષ્ટિકોણ પણ બદલાયો છે. દાખલા તરીકે, પહેલા તેઓ મજા ખાતર પક્ષીઓને મારવા માટે સાથે ગિલોલ રાખતાં. હવે, તેમણે આમ કરવાનું છોડ્યું છે અને તેઓ હવે બીજા બાળકોને પણ આવી રીતે મજા ખાતર પંખીઓને મારતા રોકે છે.
એકવાર ભદ્રેશ્વરના છાત્રાલયમાં એક શિક્ષકે એક મુસ્લિમ વિદ્યાર્થીને કપાળે ટીકો કરેલો જોયો. તેને કારણ પૂછતાં તેણે જણાવ્યું, “મારા હિંદુ મિત્રએ રમઝાન માટે ઉપવાસ રાખ્યો એટલે મેં એના તહેવાર પર ટીકો લગાવ્યો છે! છાત્રાલયમાં વાયએમસી બાળકો સાથે કુટુંબમાં લિંગભાવને લગતી ભૂમિકાઓ (જેન્ડર રોલ્સ) જેવી બાબતો વિશે પણ ચર્ચા કરે છે. પરંપરાગત રીતે છોકરીઓના કહેવાતા કામો જેવા કે કચરો વાળવો, ચા બનાવવી વગેરે કરવા માટે છોકરાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. વાયએમસી બાળકોને પરિવાર નિયોજન અને આર્થિક નિયોજનની વાતો પણ સમજાવે છે.
અમને એવી ચિંતા થઈ કે છાત્રાલયમાં રહેવાને કારણે અને નિયમિત શાળામાં જવાને કારણે ક્યાંક બાળકો તેમના માતા પિતાના વ્યવસાયનું મૂલ્ય ઓછું ગણતાં ના થઈ જાય. આ યોજનાની શરૂઆતથી જ જોડાયેલા દેવેન્દ્રભાઈએ પણ અમારી જેમ જ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, છાત્રાલયમાં રહેવાથી બાળકોમાં એક સારો બદલાવ આવ્યો છે પણ સાથે સાથે તેમણે એ પણ નોંધ્યું છે કે બાળકો પોતાની પહેલાની રહેણીકરણી અને માછીમારીના વ્યવસાયથી અળગા થઈ રહ્યાં છે. દેવેન્દ્રભાઈ માને છે કે બાળકોનું તેમના કુટુંબ અને સમાજ સાથે જોડાયેલાં રહેવું ખૂબ જ જરૂરી છે અને તેથી બાળકો દર પખવાડિયે એક વાર બંદરોની મુલાકાતે જાય તે બાબતની એ તકેદારી રાખે છે.
વાયએમસીનો કાર્યક્રમ પૂરો કરીને, શાળાનું ભણવાનું પૂરૂં કરીને કેટલાક વિદ્યાર્થીઓ આઈટીઆઈમાં ગયા છે અને ત્યાંથી તેઓ મુખ્યધારાના વ્યવસાયો જેવા કે પ્લમ્બિંગ, ફીટીંગમાં જોડાયાં છે.
અગરિયાઓની શાળા
વાઘેર લોકોની જેમ જ અગરિયાઓ પણ વર્ષના નવ મહિના દરિયાકિનારે સ્થળાંતર કરે છે. અગરિયાઓ દરિયાના પાણીમાંથી મીઠું પકવવાનું કામ કરે છે. કોઈ પણ નગરથી માઈલો દૂર જતા જેવો અનુભવ થાય તેવો જ અનુભવ અમને જોગણીનાર કે જે મુન્દ્રા નજીકનો એક અગરપ્રદેશ છે, તેની મુલાકાત લેતા આવ્યો. ચારે દિશાઓમાં ફેલાયેલ પડતર માટીના વિસ્તારો અને તેની વચ્ચે-વચ્ચે સફેદ અગરો અને મીઠાના ઢગલા.
અગરિયાઓ અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી એમ આખા ગુજરાતમાંથી આવે છે. અગરમાંથી મીઠું પકવવાનું કામ ક્યારેક સવારે ત્રણ વાગે શરૂ થાય છે અને સૂરજ ઊગે ત્યાં સુધી ચાલે છે અને ત્યારબાદ સાંજે ફરી શરૂ કરવામાં આવે છે. મીઠાના ગાંગડા પરથી પરાવર્તિત થતા સૂર્યના કિરણોથી બચવા માટે આવું કરવામાં આવે છે. પરાવર્તિત કિરણો એટલા તીક્ષ્ણ હોય છે કે મોટી ઉંમરે ઘણા અગરિયાઓ દ્રષ્ટિ ગુમાવે છે. સતત તીક્ષ્ણ મીઠાના ગાંગડાના સંપર્કમાં રહેવાથી તેમને “ક્રોનિક ડર્મેટાઈટીસ” જેવા ચામડીના રોગો હાથ અને પગમાં થાય છે.
માછીમારોના બાળકોની જેમ જ અગરિયાઓના બાળકો પણ કોઈ રીતે શાળાએ જઈ શકતા નહોતાં. તેમના નામ પણ શાળાનાં હાજરીપત્રકમાંથી દૂર કરવામાં આવતા હતાં.
માછીમાર સમાજ માટે શાળા ખોલ્યાના એક વર્ષ પછી વાયએમસીએ અગરિયાઓના બાળકો માટે શાળા ખોલી. અહીં વધારાની મુશ્કેલી એ હતી કે અગરિયાઓ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. આનો મતલબ એ કે જો એક કુટુંબ એક બંદરથી આવતું હોય તો એ બીજા વર્ષે તદ્દન જુદી જગ્યાએ હોવાની શક્યતા રહે. આમ હોવા છતાં, વાયએમસીએ પ્રયત્નો ચાલુ રાખ્યાં અને હવે, બાર વર્ષે ત્યાં અગરિયાઓના બાળકો માટે દસ પૂરક નિશાળો છે.
મહાદેવભાઈ, જે આ યોજનાનું ધ્યાન રાખે છે, તેઓ પોતે થોડા વર્ષો પહેલા અગરિયા તરીકે કામ કરતા હતા. માછીમાર સમાજની જેમ જ આ અગરિયા સમાજના બાળકો પણ તેમના પરિવારમાંથી પ્રથમ વખત શાળાએ જનારા સભ્યો છે.
શ્રમિકોની શાળાઓ
મુન્દ્રા નજીકનું બારું અને ઉદ્યોગો દેશના મધ્ય પ્રદેશ, બિહાર, અને ઉત્તર પ્રદેશ જેવા ભાગોમાંથી મજૂરોના પ્રવાહને ખેંચી લાવ્યાં છે. આ લોકો શહેરની નજીક ઝૂંપડપટ્ટીમાં રહે છે. મા બાપ બંને બાંધી મજૂરી કરે જ્યારે બાળકો સાંજના પાણીપુરી કે એવું કાંઈ વેચીને વધારાના પૈસા કમાય. ગરીબોની આ બસ્તીના ઘણા પ્રશ્નો હોય છે- તંદુરસ્તી, સ્વચ્છતા, પાણીની સ્વચ્છતા અને પુરુષોમાં દારૂનું વ્યસન. અમે જે બાળકોને મળ્યાં તેમનામાં કુપોષણના લક્ષણો ઊડીને આંખે વળગે તેવા હતાં. આ લોકો સમાજના સૌથી છેવાડાના લોકો છે. રેશન કાર્ડ અથવા હિજરતી તરીકેના કાર્ડ વગરનાં આ લોકોનાં પ્રશ્નો ભાગ્યે જ સરકારના કાને પડે છે.
આ શ્રમિકોના બાળકોને ગુજરાતી ભાષા સમજાતી નથી. અત્યાર સુધી, જો તેમને નિશાળે જવું હોય તો કાં તો તેમને મુન્દ્રાની ગુજરાતી માધ્યમની શાળામાં જવું પડતું અથવા બીજા રાજ્યની નિશાળમાં મા બાપથી દૂર રહીને ભણવું પડતું. અહીં હિન્દી માધ્યમની શાળાઓ નહોતી. કેટલાક બાળકોએ ગુજરાતી શાળાઓમાં જવાનો પ્રયત્ન કર્યો પણ તેમને ત્યાં અનુકૂળ ન આવ્યું તથા તેઓ શિક્ષણને પહોંચી ન વળ્યાં.
થોડાં વર્ષો પહેલાં, ચાઈલ્ડલાઈન ફાઉન્ડેશન નામની બાળ અધિકાર માટે કામ કરતી સંસ્થા આ વિસ્તારમાં કામ કરતી હતી. જાગૃતિ ફેલાવવાની પ્રવૃત્તિમાં ચાઈલ્ડલાઈનનાં કર્મચારીઓ બાળકોને શાળાએ મોકલવાં જોઈએ એ વાતને દોહરાવતાં. એક વખત આ બાબતથી અકળાઈને વાલીઓએ હિન્દી માધ્યમની શાળા ક્યાં છે એવો પ્રશ્ન કર્યો. આ સાંભળીને વાયએમસીનાં ધર્મેન્દ્રભાઈ અને સંગીતાબહેને આ જરૂરિયાત પૂરી કરવાનું બીડું ઝડપ્યું. બીજા જ દિવસે તેમણે તે બસ્તીમાં ભણાવ્યું. આ રીતે વાયએમસીનું હિન્દી માધ્યમની શાળાઓ પૂરી પાડવાનું કામ શરૂ થયું.
ટૂંક સમયમાં જ વધુ ને વધુ બાળકો આવવા લાગ્યાં અને શાળા એક ભાડાનાં મકાનમાં ખસેડાઈ. થોડા સમયમાં જ આ મકાન પણ નાનું પાડવા લાગ્યું- મા બાપનો કેવો તો પ્રોત્સાહક પ્રતિભાવ! વાયએમસીને થોડા જ સમયમાં શાળાની બહારની દિવાલો પર પણ કાળા પાટિયાં રંગવા પડ્યાં અને બહાર વર્ગો લેવાનીશરૂઆત કરવી પડી. છેવટે, આરતી ઇન્ડસ્ટ્રીઝ કે જે પહેલેથી જ કેટલીક માછીમાર અને અગરિયાઓની શાળાને અનુદાનો પૂરાં પાડતી હતી, તેણે આ યોજના માટે પણ અનુદાન આપ્યું જેનાથી એક શાળાનું મકાન બંધાયું જેનું નામ વલ્લભ વિદ્યાલય આપવામાં આવ્યું. આ શાળા હવે બાળકોને બપોરનું ભોજન તથા બાળકો અને તેમના કુટુંબના લોકોને તબીબી સેવાઓ પૂરી પાડે છે.
હવે અહીં કુલ ત્રણ હિન્દી શાળાઓ છે જે આઠસો જેટલા બાળકોને ભણાવે છે જેઓ ભારતના જુદા જુદા અગિયાર રાજ્યોમાંથી આવે છે. આ શાળાઓમાંની એક, શિશુ વિદ્યામંદિર, જીન્દાલ સ્ટીલ પ્લાન્ટનાં ગોદામમાં ચાલે છે અને ત્રીજી શાળા સીરાચા ગામમાં છે. ઘણા માબાપ, જેઓ કચ્છ સ્થળાંતર કરતી વખતે પોતાના બાળકોને તેમનાં ગામમાં જ રાખતાં હતાં તેઓ હવે તેમના બાળકોને પણ અહીં લઈ આવે છે.
પ્રભાવ અને પડકારો
આ ત્રણ પ્રકારની શાળાઓથી વાયએમસી કચ્છના દરિયાકિનારા પાસે રહેતા સ્થળાંતર કરતા કુટુંબોનાં બાળકો સુધી પહોચ્યું છે. આમાંથી ઘણા બધા બાળકો આ યોજનાનાં શરૂઆતના વર્ષોમાં સરકારની નજરમાં અસ્તિત્વ જ ધરાવતાં નહોતાં. ૨૦૦૯માં આવેલ રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ (આરટીઈ)એ સરકારી અધિકારીઓને પૂરક શાળાના મોડેલ સાથે સંમત થવા પ્રેરકબળ પૂરું પાડ્યું, જેણે આ બાળકોને આ શાળાઓમાં ભણવા દીધા.
વાયએમસી દ્વારા આપવામાં આવતું શિક્ષણ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણપણે મફત છે. આમ વાયએમસીએ આ જિલ્લાના સૌથી છેવાડે રહી ગયેલા લોકોના બાળકોની જિંદગીમાં બદલાવ લાવ્યો છે. જગ્યા, અનુદાન અને માનવબળની અછતને કારણે આ એક સંઘર્ષમય કામ છે.
આ શાળાના કેટલાંક શિક્ષકો પોતે છઠ્ઠા અથવા આઠમા ધોરણ સુધી સામાન્ય શાળાઓમાં ભણેલા છે અને તેથી તેઓ વર્ગ શિસ્ત, ગોખણપટ્ટી જેવી બાબતો પર ભાર આપે છે. અમને લાગ્યું કે આ પ્રકારની શિક્ષણ પધ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે. વાયએમસી જ્યારે શિક્ષકોની ટ્રેનીંગ અને વધુ માહિતી મેળવવા માટે બીજી શાળાઓની મુલાકાતો જેવા ઉપક્રમો દ્વારા શિક્ષકોની ક્ષમતા વધારવાનો વિચાર કરી રહ્યું છે ત્યારે આશા છે કે આ ફેરફાર ટૂંક સમયમાં જ આવશે. વાયએમસી શિક્ષકોને આગળ ભણવા અને શૈક્ષણિક તાલીમ લેવા માટે પ્રોત્સાહિત કરે છે.
અમને એવું પણ લાગ્યું કે જે અભ્યાસક્રમ શાળામાં ભણાવવામાં આવે છે તે માછીમારો અને અગરિયાઓના સ્થાનિક વાતાવરણ સાથે પણ જોડાયેલો હોવો જોઈએ. માછીમારોના ગામામાં આ પ્રકારાના પ્રયત્નો થયા હતાં પરંતુ તે ટકી શક્યાં નહી. એ જરૂરી છે કે શાળામાં મેળવેલું શિક્ષણ કુટુંબોમાં રહેલ પરંપરાગત જ્ઞાન અથવા કૌશલ્યોનું મૂલ્ય ઓછું ના આંકે.
મોટા બાળકોને બોલતાં સાંભળીને એ જણાઈ આવ્યું કે વાયએમસી બાળકોને લિંગ સમાનતા, કુદરત માટેનો આદર અને સર્વધર્મ સમભાવ વિષે વિચારતા કરવામાં સફળ બન્યું છે. આ અગત્યની કેળવણી છે અને આશા છે કે તે બાળકોને ન્યાયપૂર્ણ અને ભેદભાવ રહિત વિચારોવાળા વ્યક્તિ બનવામાં મદદરૂપ બનશે.
વાયએમસીએ સ્થળાંતર કરતાં બાળકો માટે આ શાળાઓ અને છાત્રાલય ચલાવવાની એક મોટી જવાબદારી ખભે લીધી છે. આનો પ્રભાવ સુગીબહેન કે જે ગોરખપુરથી મુન્દ્રા સ્થળાંતર કરીને આવ્યાં છે, અને જેમના પોતાનાં બાળકો વલ્લભ વિદ્યાલયમાં ભણે છે એમના શબ્દોમાં સ્પષ્ટ વરતાય છે. તેઓ કહે છે, “હું ખુશ છું કે અમે અમારાં બાળકોને અહીં લાવી શક્યાં. કુટુંબના લોકોએ સાથે જ રહેવું જોઈએ. હવે મારાં બાળકોનું ભવિષ્ય વાયએમસીના હાથમાં છે.”
Contact the author