કપાસ પહેલાનો, ફેરવણાટ અત્યારનું (in Gujarati)

By Translated by પ્રાજક્તા ભાવે; original story in English by Shiba DesoronApr. 10, 2015in Environment and Ecology

Original English story written specially for Vikalp Sangam

“કાલા કપાસનો તાકો વણવામાં અઘરો હોય છે. જેઆ કામ સાથે સંકળાયેલા ન હોય તે આ વણવાનું કામ ન કરી શકે. તેના માટે તમારે હુન્નર કેળવવો પડે. વણાટકામ અમારા લોહીમાં છે.”

નારાયણ વાલજી વણકર કચ્છનાં મોટા જમથાડા ગામમાં રહેતા એક પરંપરાગત વણકર છે. તે જ્યાં સુધી પોતાના વંશવેલાને યાદ કરી શકે ત્યાં સુધી, તેમના બધા પૂર્વજો હાથશાળ પર ઊન અથવા કપાસના સૂતરમાંથી કાપડ વણવાના વ્યવસાયમાં રોકાયેલાં હતાં. નારાયણભાઈએ દાયકાઓ પહેલાં કાપડ વણવાનું છોડી દીધું કારણ કે મિલમાં બનેલું સસ્તું કાપડ મળતું થયું એટલે નારાયણભાઈ જે પ્રકારનું કાપડ વણતા હતા તેની માંગ ખતમ થઈ ગઈ. જો કે અત્યારે નારાયણભાઈએ વણાટકામ ફરીથી શરૂ કર્યું છે એટલું જ નહીં, પણ તેમને વણાટકામથી ઊન અને એક્રેલિકની શાલોના કામથી મળે તેના કરતા વધુ ભાવ મળવા લાગ્યા છે. નારાયણભાઈ જે કપાસ વાપરે છે તે સ્થાનિક પર્યાવરણને અનુકૂળ છે, ઑર્ગેનિક એટલે કે સજીવ ખેતીની પદ્ધતિથી ઉગાડવામાં આવે  છે અને તે કચ્છમાં સદીઓથી ઉગે છે. આ વાત છે કાલા કપાસની.

Narayan Valji Vankar with woven kala cotton cloth
કાલા કાપાસના વણાયેલા કાપડ સાથે નારાયણ વાલજી વણકર, તસવીર: ઍડમ કાજકા

એક સેન્ટીમીટરનો મામલો

“અહીં એવા વન્ય વૃક્ષો ઉગે છે, જેનાં ફળ એટલે ઊન. આ ઊન ઘેટાનાં ઊન જેટલું સુંદર અને સારા દરજ્જાનું હોય છે. ભારતના લોકો તેમનાં કપડાં આ વૃક્ષના ઊનમાંથી બનાવે છે.”

હેરોડોટસ, ઈ.સ. પૂર્વે ૫૦૦મી સદી.

કપાસના કપડાં. તેના વિશે સહેજ નિરાંતે વિચારીએ તો એમ જણાય કે તે અદભૂત છે. આ ઊન છોડ રૂપે જમીન પર હોય ત્યારથી તે આપણા શરીરને ઢાંકે ત્યાં સુધીની એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયાનાં પગલાં, તેમાં સમયાનુસાર આવતા બદલાવ તેમજ ભૌગોલિક પ્રદેશના સંદર્ભમાં તેના અસ્તિત્વ વિશે વિચારવું રસપ્રદ છે.

ઐતિહાસિક પુરાવા મુજબ ભારતમાં ઈ. સ. પૂર્વે ૫૦૦૦ વર્ષોથી કપાસ ઉગાડવામાં આવે છે. દુનિયામાં કપાસની ચાર પ્રજાતિ મળી આવે છે. આ પ્રજાતિઓમાંથી બે પ્રજાતિ એશિયા અને આફ્રિકામાં ઉગે છે. ‘જૂની દુનિયા’નો કે દેશી કપાસ પરંપરાગત રીતે ભારતમાં ઉગે છે. આ પ્રજાતિના-દેશી કપાસના રેસાની લંબાઈ ટૂંકી હોય છે જ્યારે નવી દુનિયાના (અમેરિકા અને ઈજિપ્તના) કપાસના રેસાની લંબાઈ વધારે હોય છે. આ બંને દુનિયાના કપાસના રેસાની લંબાઈ વચ્ચેનો તફાવત લગભગ એક સેન્ટીમીટર છે. એક સેન્ટીમીટરનો તફાવત કાપડના ઈતિહાસમાં કેટલો મોટો ફેર ઉભો કરી શકે!

વિવિધ જાતના કપાસનો ઉછેર, ઉછેરની રીત અને તેના ઉછેરના પ્રદેશોમાં સમયાંતરે ઘણા ફેરફાર થયા છે. ૧૭મી અને ૧૮મી સદી દરમિયાન ભારત બહુ નફો રળનાર અને દેશી કપાસની બ્રિટનમાં નિકાસ કરતો દેશ હતો. પરંતુ બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સમયમાં ખૂબ મોટા ફેરફારો આવ્યા. ૧૯મી સદીના1 મધ્યકાળ સુધીમાં ભારત કેવળ બ્રિટીશ કાપડની મિલો માટેના કાચા કપાસના વિદેશી રેસાનું ઉત્પાદન કરનાર અને માલ આયાત કરનાર લાચાર ગ્રાહક દેશ બની ગયો.2 ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ કરેલા ફેરફારમાં ભારતના કાપડના કારખાનાં પર ભારે જકાત અને ભારતમાં જ બનેલા કપાસની બ્રિટનમાં આયાતો પર નિયંત્રણોનો સમાવેશ થાય છે.

સસ્તા, કાચા અને વધુ લંબાઈના કપાસના રેસાની બ્રિટનની માંગને પૂરી કરવા માટે ભારતની કપાસની ખેતીમાં ૧૯મી સદીમાં એક મોટો અને ઝડપી ફેરફાર લાવવમાં આવ્યો. હવે ખાસ કરીને ટૂંકી લંબાઈના દેશી જાતિઓના કપાસની ખેતીમાંથી બ્રિટીશ મિલોને અનુકૂળ એવા વધુ લંબાઈવાળા (૩૨ મિલીમીટરથી વધુ લંબાઈના) કપાસની ખેતી થવા લાગી. આ વધુ લંબાઈના રેસા ઉગાડવાનો ફેરફાર એ લાદવામાં આવેલો હતો. જ્યાં કપાસ કુદરતી પરિસ્થતિમાં જ ઉગતો હોય તેવા વરસાદ આધારિત કૃષિક્ષેત્રોમાં હવે નવા પ્રકારના કપાસને ઉગાડવા માટે માનવસર્જિત સિંચાઈ અને રાસાયણિક ખાતર જેવાં વધારાનાં સંસાધનોની જરૂર પડવા લાગી. આઝાદી પછી ભારતમાં કૃષિક્ષેત્રે આવેલા ફેરફારોનો તબક્કો હરિયાળી ક્રાંતિ તરીકે જાણીતો છે. તેમાં કપાસની સંકર જાતિઓના પ્રવેશથી પરિવર્તનનો દોર ચાલુ રાખવામાં આવ્યો. આનાથી પણ આગળ વધીને ૨૦૦૨ના વર્ષથી જીનેટિકલી મૉડીફાઈડ એટલે કે જનીનીય રીતે સુધારિત એવો બીટી કપાસ ભારતની કપાસની ખેતી પર પ્રભુત્વ ધરાવતો થયો છે. ૨૦૧૦ ના વર્ષના આંકડા મુજબ ભારતના કુલ કપાસ ઉત્પાદનના ૮૫% ભાગમાં બીટી કપાસના પ્રકારોની ખેતી થાય છે3.

કાલા કપાસ

કપાસની ખેતીમાં પરિવર્તનનો વ્યાપ એટલો બધો છે કે હવે બહુ થોડા વિસ્તાર એવા રહ્યા છે કે જ્યાં હજુ પણ કપાસ કુદરતી પરિસ્થિતિમાં ઉગતો હોય છે. કચ્છના અડેસરમાં આવા કેટલાક વિસ્તાર જોવા મળે છે. ખૂબ ઓછો વરસાદ અને માનવસર્જિત સિંચાઈના ઓછા સાધનો હોય એવાં આ ગામ હજુ પણ વરસાદ પર આધારિત ટૂંકી લંબાઈના રેસાની ખેતીની વર્ષો જૂની પદ્ધતિને વળગી રહ્યાં છે. જે જાતિઓ ઉગાડવામાં આવે છે તે ગોસીપીયમ હર્બેસેયમ એ જૂની દુનિયાના (દેશી) કપાસની પ્રજાતિની છે. તેના રેસાની લંબાઈ ૨૨-૨૩ મિલીમીટર હોય છે. તેને કાલા કપાસ તરીકે ઓળખવામાં આવે છે4.

Kala cotton picked from the fields
ખેતરમાંથી લાવવામાં આવેલો કાલા કપાસ, તસવીર: વિનય નાયર

અડેસરમાં, ૨૦૧૨માં મળેલી એક સભામાં ખેડૂતોએ અમને કહ્યું કે પહેલાના સમયમાં કાલા કપાસની ખેતી મોટા પ્રમાણમાં થતી કારણ કે તેની પર ખૂબ ધ્યાન આપવું પડતું નથી અને વધારાનો ખર્ચ ઓછો થાય છે. ખેડૂતો કાપણી કરેલો કપાસ મુશ્કેલીના સમયના ટેકા તરીકે મોટા કોઠારોમાં ભરી રાખતાં. પરંપરાગત રીતે, પ્રથારીયા આહીર કોમના લોકો કાપણી કરેલો કપાસ એપ્રિલના અંતે આવતી ‘વૈશાખી તેરસ’ પહેલાં વેચી નાખતાં. આ કોમમાં વૈશાખી તેરસે લગ્નો નક્કી કરવામાં આવે છે. પહેલાના સમયમાં આ પ્રકારનો કપાસ આખા કચ્છમાં (ભચાઉ, રાપર, અબડાસા, મુન્દ્રા, માંડવી અને અંજારના વિસ્તારોમાં) ઉગાડવામાં આવતો, પણ હવે તેનો ઉછેર ફક્ત રાપર અને ભચાઉ પૂરતો જ છે. કાલા કપાસની ખેતીમાં આવેલા ઘટાડાનાં ઘણા કારણો છે. ટૂંકી લંબાઈના રેસાની ઘટતી માંગ અને નીલગાયો દ્વારા પાકનો નાશ એ બે તેમાંના મુખ્ય કારણો છે. વળી, આ લંબાઈના રેસાવાળા કપાસને લોઢવાનાં (રેસાને અથવા પાટાને બીજથી જુદું કરવું), કાંતવાનાં હેરેસાને સૂતરમાં ફેરવવું) અને વણવાનાં (સૂતરને કાપડમાં ફેરવવું) સાધનો મળવામાં હવે ખૂબ મુશ્કેલી પડે છે. આ પ્રકારના કપાસ માટે હવે ભાવ બહુ નીચા મળે છે, અને તેનો ઉપયોગ ફક્ત ગાદલા ભરવામાં અથવા ડેનિમ (પાંસળી પાડીને વણેલું સુતરાઉ કાપડ)ના કાપડમાં રેસા ભરવા માટે જ થાય છે. પહેલાના જમાનામાં ભારતમાં આ કપાસને વણીને તેમાંથી કપડા બનાવવાની જે રીત હતી તે હવે લુપ્ત થઈ ગઈ છે, તે દુ:ખની વાત છે.

Kala cotton in the fields
ખેતરમાં કાલા કપાસ, તસવીર: વિનય નાયર

તૂટેલા દોરાને સાંધવો

જે ગુમાવ્યું છે તે આપણે પાછું મેળવી શકીશું? આ પ્રશ્ન ૨૦૦૭માં ‘ખમીર’5 નામના એક બિનસરકારી સંગઠને પૂછયો. કચ્છમાં આવેલ ‘ખમીર’ હુન્નર આધારિત રોજગારીને ટેકો આપવાનું કામ કરે છે. પ્રશ્નનો જવાબ તેણે પછીના વર્ષોમાં કચ્છમાં જ કામ કરતા બીજાં સમવિચારી જૂથો સાથે સંશોધનો, નવી શોધ અને સહિયારા કામ થકી મેળવ્યો. એકસરખાં ધ્યેય ધરાવતાં આ સંગઠનોમાંથી ‘સાત્વિક’ પર્યાવરણીય કૃષિને પ્રોત્સાહન આપે છે અને ‘સેતુ’ સ્થાનિક સમુદાયોને જોડે છે. વળી, ત્રણેય સંગઠનોનું સહિયારું ધ્યેય સંસ્કૃતિ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને સ્થાનિક રોજગારીને ટેકો પૂરો પાડવાનું છે. આ સંગઠનોનો મૂળ ખ્યાલ તો કાલા કપાસને ઉગાડવાથી માંડીને તેમાંથી બનાવેલા ઉત્પાદનને બજારમાં વેચવાની આખી પ્રક્રિયાના વિવિધ પગલાંને ધ્યાનમાં લેવાનો, અને આ પ્રક્રિયા ખેડૂતો અને વણકરો બંનેને ફાયદો અપાવનારી કેવી રીતે બની રહે તે જોવાનો હતો. પરિણામે, ડિસેમ્બર ૨૦૧૧ માં દિલ્હીમાં યોજાયેલા પ્રદર્શનથી શરૂ કરીને ખમીરે હવે કાલા કપાસમાંથી બનેલા વૈવિધ્યપૂર્ણ કપડાંની રેન્જ ઉભી કરી છે. તેમણે ભારત અને વિદેશના બજારોમાં કાલા કપાસના રેસા અને સૂતરનો પુરવઠો પણ ઉપલબ્ધ કરી આપ્યો છે. આ પ્રયત્ન ઘણી બધી રીતે મહત્વના છે:

પહેલી વાત એ કે ખમીરના પ્રયાસ જીવનના ઘણીવાર ધ્યાન ન અપાયું હોય તેવા પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે: આપણે જે પહેરીએ છીએ તેનું પર્યાવરણીય મૂલ્ય શું છે? કાલા કપાસ કુદરતી પરિસ્થિતિમાં ઉગે છે, તેમાં પાકની ફેરબદલીની અને આંતરપાક ખેતીની પદ્ધતિઓ વાપરવામાં આવે છે, જેમાં કૃત્રિમ સિંચાઈ અથવા રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી. કાલા કપાસનું રેસા ધરાવતું જીંડવું બંધ હોય છે જે રેસાને પવનથી રક્ષણ આપે છે.6 તેનાથી કાલા કપાસ દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ ઉગી શકે છે. તેને ખૂબ ઓછા પાણીની જરૂર પડે છે. એક દિવસનો મોસમી વરસાદ પાક માટે પૂરતો છે અને બે-ત્રણ ઝાપટાં સારા પાકની ખાતરી આપે છે. કાલા કપાસના પાંદડાં, જીંડવાં અને બીજ ઢોરને ખવડાવી શકાય છે.7 તેનું થડ બળતણના લાકડાં તરીકે વાપરી શકાય છે. આ ઉપરાંત, એક અહેવાલ મુજબ, કુદરતી રંગો કાલા કપાસમાં ઝડપથી શોષાય છે. જ્યારે નફાકારક બીટી કપાસના પર્યાવરણીય મૂલ્યની કાલા કપાસના પર્યાવરણીય મૂલ્ય સાથે સરખામણી કરવામાં આવે ત્યારે આ બાબતે ખાસ મહત્વની બને છે. કચ્છ અને ભારતના, સિંચાઈનો ખર્ચ ઉઠાવી શકતાં હોય તેવાં મોટા ભાગના ખેડૂતો બીટી કપાસ ઉગાડે છે. તેમાં પમ્પથી પાણી કાઢવા અને પહોંચાડવા માટે તેમજ ખાતર નાખવા બહુ સંસાધનો વપરાય છે (અને ગ્રીનહાઉસ વાયુઓ પણ મોટા પ્રમાણમાં બહાર નીકળે છે). તદુપરાંત જંતુનાશકોનો વપરાશ થતો હોય અને દુષ્કાળની સંભાવના હોય તેવા વિસ્તારોમાં જ્યારે બીટી કપાસ ઉગાડવામાં આવે ત્યારે પાણીનો વધુ પડતો વપરાશ થાય છે જેની પણ પર્યાવરણ પર અસર થાય છે. વળી, બીટી કપાસનાં ઉત્પાદન, હેરફેર અને ઉપયોગથી પર્યાવરણ બાબતે જે કિંમત ચૂકવવી પડશે એ તો ખરી જ.

ખમીર બીજા એક ઘણીવાર ઉપેક્ષિત પ્રશ્ન તરફ આપણું ધ્યાન ખેંચે છે: અંતિમ ઉત્પાદન તરીકે કાપડ બનાવવાની પ્રક્રિયા શું છે? કાલા કપાસની બાબતે, જે પદ્ધતિ વિકસાવવામાં આવી છે તે વરસાદ પર આધાર રાખતાં સ્થાનિક ખેડૂતોને ટેકો પૂરો પાડે છે અને તે હાથશાળના વણકારોને પણ આધાર આપે છે. આ રીતે ખમીર આર્થિક પડકારોને લીધે જેમને પોતાની વર્તમાન રોજગારી છોડવા મજબૂર બનતા હોય તેવા બે સમુદાયોને ટેકો આપે છે. ખમીર નીચેની બાબતો કરે છે8:

  1. કાલા કપાસની ખેતીને ટકાવી રાખવા માટે ખમીર ખેડૂતો પાસેથી બજાર ભાવ કરતા ૧૫% વધારે રકમ આપીને કાલા કપાસને ખરીદે છે;
  2. નજીકના ગામોમાં સ્ત્રીઓના જૂથોને જીંડવામાંથી રેસા છૂટા પાડવાના કામમાં રોકે છે;
  3. લોઢવાના એવાં સાધનો રોકે છે કે જેને ઑર્ગેનિક જીનીંગ યુનિટ તરીકે પ્રમાણપત્ર મળ્યું હોય. તેના દ્વારા કપાસનો એક રેસો અથવા પાટો બીજાથી છૂટો કરવામાં આવે છે. બીજ ઘણીવાર ખેડૂતોને ખુલ્લા બજારમાં વેચવામાં આવે છે;
  4. રેસાને કાંતીને સૂતરમાં ફેરવવા માટેનું એક નાનું એકમ ચલાવે છે. રેસાનો કેટલોક જથ્થો ખાદીના એકમોને પણ વેચવામાં આવે છે;
  5. પોતે ઉભી કરેલી સુવિધાઓથી સૂતરને રંગવાની પ્રક્રિયા હાથ ધરે છે. તે પર્યાવરણને અનુકૂળ હોય તેવા રંગના વિકલ્પો વાપરે છે;
  6. પોતાની સાળ ઉપર શાલ અને દુપટ્ટા બનાવનાર પરંપરાગત વણકરોને તે સૂતર મોકલે છે.
  7. કાપડમાંથી કપડાં સીવવા સ્થાનિક લોકોને રોકે છે અને કપડાંને પોતાની રીતે બજારમાં વેચે છે;

આ દેખાય છે તેટલું સહેલું નહોતું. આ પ્રક્રિયાને સરખી રીતે ગોઠવતાં વખત લાગ્યો અને દરેક પગલે ઘણા પડકારો ઊભા થયા કારણ કે આખી પ્રક્રિયાની સાંકળ ખૂબ પહેલાં જ તૂટી ગયેલી હતી. રેસાને ઘરે બેઠાં કાંતીને સૂતર બનાવવાનું હુન્નર નષ્ટ થઈ ચૂક્યું હતું. રેસાના ઓછા જથ્થા સાથે કામ કરતાં ધીમી ગતિના યંત્રને કારણે તાકો કાંતવાના કામ માટેનું સંશોધન કરવામાં સમય લાગ્યો. આ સંશોધન એક ગાંધીવાદી બિનસરકારી સંગઠનના સહકાર્ય તરફ દોરી ગયું. વણાટકામના તબક્કે પણ ઘણા પડકારો હતા. ટૂંકા રેસાથી બનેલું સૂતર વણવામાં અઘરું હોય છે. આ સૂતર પ્રક્રિયામાં ઘણીવાર તૂટી જાય છે. આ સૂતરને સામાન્ય કરતાં જુદાં માપની અને અલગ પ્રકારની સાળની જરૂર પડે છે. શરૂઆતમાં રેસો ચઢી જવાના અને સૂતરમાં સુંવાળાપણાનો અભાવ જેવા પ્રશ્નો ઉભા થયા.પરંતુ, વણથંભ્યા પ્રયત્નોથી, સમય જતાં, આ પડકારોનો સામનો થઈ શક્યો. અને હવે ખમીર કાલા કપાસથી બનેલ કાપડ અને વસ્ત્રો (શર્ટ, શાલ, દુપટ્ટા) ની રેન્જ વેચે છે.

કાલા કપાસની ખેતીને સીધો ટેકો આપવાની આ પહેલમાં જે પ્રાપ્ત થયું છે તેમાં કેટલીક મર્યાદાઓ છે તે વાત કબૂલ કરવી રહી. કાલા કપાસના કચ્છમાં વસતા અને પોતાની ખેતી ધરાવતાં લગભગ ૪૦૦૦ ખેડૂતોમાંથી અડેસરના માખેલ વિસ્તારના ફક્ત ૧૬૦ ખેડૂતો પાસેથી જ ખમીર કપાસ ખરીદે છે.બીજા ખેડૂતોને સારા ભાવ મેળવવા માટે હજુ પણ સંઘર્ષ કરવો પડે છે. આવા ખેડૂતો, કૃત્રિમ સિંચાઈ ઉપલબ્ધ થતાં જ બીટી કપાસ તરફ વળે તેવી શક્યતા છે. કાલા કપાસને ટકાવી રાખવા માટે ખેડૂતોને તેમનાં ઉત્પાદનને નિશ્ચિત અને વ્યાજબી આર્થિક બદલો મળે તેની ખાતરી આપવી જરૂરી બને છે. જ્યાં બીજો કોઈ પાક ટકતો ન હોય તેવા પ્રદેશમાં કાલા કપાસ આફતના સમય માટેનો પાક હોય એ જરૂરી છે. પણ, એનું એવું સ્થાન અનિવાર્યતાથી નહીં પણ સભાન પસંદગીથી ઊભું થયેલું હોવું જોઈએ. અત્યારે રાસાયણિક ખાતર માટે મોટા પ્રમાણમાં જે સબસિડી આપવામાં આવે છે તે જો બંધ કરવામાં આવે અથવા તેને સજીવ ખેતીના વિવિધ તબક્કાઓને ટેકો પૂરો પાડવાની સબસિડીમાં ફેરવવામાં આવે તો આ આર્થિક પ્રોત્સાહન કાલા કપાસની ખેતીને નફાકારક વિકલ્પ બનાવી શકે. વળી, કાલા કપાસને બજારના મુખ્ય પ્રવાહમાં મૂકવો એ એક પડકાર છે. કાલા કપાસમાંથી બનેલા કપડાં અત્યારે સમાજનો એક ચોક્કસ વર્ગ મોંઘી કિંમત ચૂકવીને પણ પહેરે છે. કારણ કે કાલા કપાસ તેની ઈકો ફ્રેન્ડલી પ્રકૃતિને કારણે એક “ફેશન સ્ટેટમેન્ટ’ બને છે. આ બધું શક્ય બનાવવા માટે ફક્ત આર્થિક પ્રોત્સાહન પૂરતું નહિ બને. આ માટે સામાજિક સભાનાતામાં મોટા પાયે પરિવર્તન આવે અને સજીવ ઉત્પાદનોની માંગમાં વધારો થાય તે જરૂરી છે.

ખમીરના સંચાલક મીરા ગોરડિયા આ પડકારોથી સારી પેઠે માહિતગાર છે. તેઓ કપ્રતિભાવ આપતાં કહે છે, “ જો આપણે ભલાઈ તેમજ આપણી સાથેના માનવી તેમજ ધરતી પ્રત્યેની આપણી જવાબદારી જેવાં અમૂર્ત ભાવાત્મક મૂલ્યોમાં માનતા હોઈએ તો આપણે માનવજાતને લશ્કર જેવી ન ગણી શકીએ અને આપણી માન્યતાઓ તેની પર લાદી ન શકીએ. છતાં પણ આપણે કોઈ એક રીતે જીવન જીવવાની ફરજ પાડીને જીવવા કરતાં એવી દુનિયા બનાવવા માટે કોશિશ કરી શકીએ કે જ્યાં જીવન જીવવાના વિવિધ માર્ગો એકસાથે ચાલતા હોય.” આ અંગે એમ કહી શકાય કે, હાથસાળમાં વણવામાં આવેલાં કાલા કપાસનાં વસ્ત્રો એ એક નોંધપાત્ર દાખલો છે. વળી તે કપાસ વ્યવસાયની વર્તમાન ગતિવિધિઓમાં થોડોક સમય અટકીને, ખુદને સમાજ તરફ જવાબદાર ગણવાની ભૂમિકાનો નિર્દેશ પણ કરે છે. ભૂતકાળમાંથી પાઠ લેવાની નિખાલસતાનો દાખલો પણ એમાંથી મળે છે.

Weaving kala cotton on a handloom in Mota Jamthada
મોટા જમથાડામાં હાથસાળ પર કાલા કપાસનું વણાટ, તસવીર: ઍડમ કાજકા

આ વાત આપણને કાલા કપાસ જ્યાં ઉગાડવામાં અને જ્યાં વણવામાં આવે છે, તે જગ્યાઓ પર પાછાં લઈ જાય છે. અડેસરમાં, જ્યાં કાલા કપાસ ઉગે છે ત્યાં, માનગઢ ગામના કાલા કપાસના ખેડૂત મોહન રવા કોળી ટ્રેકટરથી જમીન ખેડતા હોવા છતાં બળદ ગાડાંના ઉપયોગને જ વળગી રહ્યા છે. તે કહે છે કે જ્યારે તે યુવાન હતા ત્યારે તેમના દાદાએ આપેલી આ સલાહને તેઓ અનુસરીને કરી રહ્યા છે: ગાડું વેચશો નહીં. ડીઝલનો પુરવઠો ઘટી જશે તે દિવસે આ ગાડાની ફરી જરૂર પડશે. બીજી તરફ મોટા જમથાડામાં, જ્યાં ફરીથી કાલા કપાસના સૂતરમાંથી કપડું બનાવવામાં આવે છે ત્યાં, નારાયણજીના વણકર કુટુંબની સૌથી નાની સભ્ય, બે વર્ષની એક છોકરી, હાથે વણેલું, ઘરે જ સીવાયેલું, કાલા કપાસનું ફ્રૉક પહેરે છે.

આ કથા ‘કલ્પવૃક્ષ’ના લેખક અને તેના સાથીઓએ (આશિષ કોઠારી, વિનય નાયર અને એડમ કાજકાએ) સપ્ટેમ્બર ૨૦૧૨, ફેબ્રુઆરી ૨૦૧૪ અને સપ્ટેમ્બર ૨૦૧૪માં લીધેલી કચ્છની મુલાકાત દરમિયાન કરવામાં આવેલી નોંધો પર અને આ વિષય પરના વર્તમાન સંદર્ભ સાહિત્ય પર આધારિત છે. આ વાર્તા માટેનાં કેટલાંક ઉમેરણો ‘ખમીર’ના ઘટિત લહેર અને મીરા ગોરડિયા તેમજ ‘કલ્પવૃક્ષ’ના અનુરાધા અર્જુનવાડકર પાસેથી મળ્યાં છે.


  1. સંથાનમ વી અને સુન્દરમ વી, ‘Agri-history of cotton in India’, Asian Agri-History Vol.1, No.4, 1997 (235-251)
  2. સૌજન્ય: Wikipedia, History of cotton
  3. International Service for the Acquisition of Agri—biotech Applications (ISAAA) દ્વારા આપેલા આંકડા મુજબ
  4. કાલા કપાસ જેને કહેવામાં આવે છે તેના ત્રણ પ્રકારો છે. એક પરંપરાગત પ્રકાર છે જેને V797 કહે છે, બીજી બે વિકસાવાયેલા પ્રકારો Guj-21, Guj-14 (શૈલેશ વ્યાસ, અંગત વાતચીત પરથી મળેલ માહિતી, સપ્ટેમ્બર ૨૦૧૨)
  5. સૌજન્ય: https://khamir.org/
  6. ૧૯૮૬માં પણ, જ્યારે કચ્છ દાયકાના એક સૌથી ખરાબ એવા દુષ્કાળમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે પણ, માખેલીન અડેસરના કલ્યાણભાઈ ૮૭૦૦ મણ (૩૫૦ મેટ્રિક ટન) કાલા કપાસનો પાક લીધાનું યાદ કરે છે. ‘સાત્વિક’ના શૈલેશ વ્યાસને ફેબ્રુઆરી ૨૦૧૪માં આપેલી માહિતી અનુસાર.
  7. શિલિ એસ. ૨૦૧૧, દસ્તાવેજ: Kala Cotton Initiative of Khamir and Satvik, જુલાઈ, ખમીર
  8. સૌજન્ય: shoprevivalstyle.com/weaving

Contact author of original story in English, Shiba Desor

Read original story, Reweaving an Old World cotton, in English

The story of weaving again with a variety of cotton that is suited to the local environment, organic and has been grown in Kachchh …

Story Tags: , , , , , , , , ,

Leave a Reply

Loading...